– મહેશ ચૌધરી ,પાટણ
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના આઠમા અવતાર ગણાતા લોકનાયક ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આજે શ્રાવણ વદ આઠમની મઘ્ય રાત્રિએ માતા દેવકીની કુખે તથા કંસના કારાગારમાં થયો. લોકનાયક શ્રી કૃષ્ણનું ચરિત્ર અપૂર્વ છે. જન્મથી નિર્વાણ સુધીની પ્રત્યેક અવસ્થામાં તેમણે પોતાની અસામાન્યતાને પ્રગટ કરી છે. કંસના કારાગૃહમાં જન્મ લીધો ગોકુળમાં ગોપ- ગોપીઓ સાથે ગોવાળનું કાર્ય કરી મુરલીધર અને રાધાકૃષ્ણ નામ પ્રાપ્ત કર્યું. કંસ અને જરાસંઘ જેવા દુષ્ટોને પરાજિત કર્યા. મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથિની તથા ઉત્તમ સંયોજકની ભૂમિકા તેમણે નિભાવી અર્જુન યુદ્ધવિમુખ બન્યો ત્યારે ગીતાનો ઉપદેશ સંભળાવી તેને યુદ્ધ પ્રવૃત્ત કર્યો. જ્ઞાન, ભક્તિ અને લોકાચારનો અતૂટ સંબંધ દર્શાવતો શ્રીકૃષ્ણનો આ બોધ અમર થઈ ગયો. શ્રી કૃષ્ણ સતત તિરસ્કૃત પ્રજાના પક્ષમાં રહ્યા. અસહાય અને દલિતદીનોને સંગઠિત કર્યા. પાંડવો, યાદવો એ સૌ ઉપેક્ષિતોના બેલી બન્યા.ક્યારેય સત્તા પર ન બેઠા. ગોકુળના ગોવાળિયાથી ભારતવર્ષમાં લોકનાયક યુગપુરુષ બની રહ્યા. ૧૨૫ વર્ષની વયેસોમનાથ- પ્રભાસમાં એક પારધિના બાણથી તેઓ નિર્વાણ પામ્યા. આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે, જીવન કઈ રીતે જીવવું તે અંગે ‘ગીતાજી’ દ્વારા સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપનાર શ્રીકૃષ્ણ, ભારતીય પ્રજાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ રહ્યા છે.ભારતીય પ્રજાએ , હંમેશા પ્રેમ અને શ્રદ્ધાથી, આશાભરી મીટ માંડી છે ! શત શત વંદન સાથે શ્રીકૃષ્ણ ના આ જન્મદિનના પવિત્ર પર્વે, સ…હુને જય શ્રીકૃષ્ણ…
Advertisements
Leave a Reply