Feeds:
Posts
Comments

Archive for January, 2012


– મહેશ ચૌધરી, પાટણ

ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે “ત્રિરંગો” તરીકે ઓળખાતો, ‘કેશરી’,’સફેદ’ અને ‘લીલા’ કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.

(૧) ભારતનાં રાષ્ટ્ર ધ્વજનો ઈતિહાસ

– ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
– પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા “પારસી બાગાન ચોક” કોલકાટામાં લહેરાવવામાં આવ્યો. જે કલકત્તા ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
– ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં “વંદેમાતરં” લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
– બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં “યુનિયન જેક” ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
– ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ નાં “પિંગાલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
– મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે “આયરલેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
– ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
– આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે “ગેરૂ” પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
– છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.

(૨) ભારતનો રાષ્ટ્ર ધ્વજ બનાવવાનાં નિયમો

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો

ગૃહ અને સંરક્ષણ ખાતાના વડા મથકોએ રાષ્ટ્રધ્વજના સમૂચિત ઉપયોગ માટે નિયમો પણ ઘડયા છે. જે મુજબ

– રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકી શકાતા નથી.
– બીજા ધ્વજ રાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ મૂકાયછે. જ્યારે બીજા બધા ધ્વજ સહિત ઊંચો કરવો હોય ત્યારે તે સૌથી પહેલો ઊંચો કરવામાં આવે છે અને સૌથી છેલ્લો નીચે લાવવામાંઆવે છે.
– જ્યારે રાષ્ટ્રધ્વજ બીજા ધ્વજોની સાથે લહેરાવવાનો હોય ત્યારે તે સૌથી મથાળે ફરકાવવો જોઈએ.
– રાષ્ટ્રધ્વજને સીધા કે આડા ન ઊંચકતા હંમેશાંઊંચો જ રાખવો જોઈએ. જ્યારે સરઘસમાં તેને લઈ જવાતો હોય ત્યારેતેને જમણા ખભા પર ઊંચો અને પ્રદર્શનના મોખરે રાખવોજોઈએ.
– જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કેકાઠેરામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ આવવો જોઈએ.
– રાષ્ટ્રધ્વજ સવારથી સાંજ સુધી ફરકાવવામાં આવે છે. રાત્રીના રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ
– સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશનદ્વારા રાષ્ટ્રધ્વજ માટેઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો, બીજાપ્રસંગોએપણયોગ્યકદનારાષ્ટ્રધ્વજફરકાવવા ઇચ્છનીય છે.

(૪) રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત

– જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તેરીતે ગોઠવાયેલો હોવોજોઈએ.
– જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો
સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસપ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
– રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાનાસરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવીજોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
– જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાંઆવનાર હોયત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.
– જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપરરહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
– જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તેરીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે ફરકાવવો જોઈએ.
– જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તોતો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
– પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાયતે રીતે અને જુદો તરીઆવે તેમ રાખવો જોઈએ. આ વખતે ખાસ ધ્યાનમામ રાખવુ કે રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
– મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલાસળિયા પર તે ફરકાવવોજોઈએ.
– જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજાધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

(૫) રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે ન ફરકાવી શકાય

– નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં.
– કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.
– બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યા ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો,હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડનાટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશેનહીં.
– રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવા અંગેનાં નિયમો

– સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
– વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજને નુકશાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશકરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવોજોઈએ.
– કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.
– કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશેનહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.
– રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.
– પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈજાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.
– કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજનાં કદ અંગેનાં નિયમો

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ
૧૨ ફૂટ બાય ૮ ફૂટ
૭ ફૂટ બાય ૬ ફૂટ
૬ ફૂટ બાય ૪ ફૂટ
૩ ફૂટ બાય ૨ ફૂટ
૭ ઇંચ બાય ૬ ઇંચ
આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.
કેન્દ્ર સરકારની પરવાનગી વગર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ અગર તો એના રંગનું અનુકરણ
કોઈ પણ વ્યાપાર,ધંધા, રોજગાર અથવા કોઈવસ્તુના ‘પેટન્ટ’ અથવા ચિહ્ન તરીકે અથવા’ટ્રેડમાર્ક’ અથવા ડિઝાઈન તરીકે કરવામાં આવશે તો તે ગુનાને પાત્ર ઠરશે.
– મહેશ ચૌધરી

Advertisements

Read Full Post »

– Mahesh Chaudhari, Patan
Mahesh

પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ
પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ

સૂર્યના કિરણો આજે પરોઢે ગુજરાત ઉપર પડયા ત્યારે આકાશનો નજારો કંઈક અદભૂત હતો. રંગબેરંગી પતંગોથી આકાશ જાણે ઉભરાઈ રહ્યુ હતું. આકાશ અનોખા રંગોથી રંગાઇ રહ્યું હતું. તો બીજી એ!!! બાજુ કાપ્યો છે….લપેટ…લપેટના નારા ગુંજી રહ્યા હતા. અને નાના ભુલકાઓથી લઇને મહિલાઓ, મોટેરાઓ પતંગની મસ્તીમાં ઝુમી રહ્યા છે. પતંગપ્રેમીઓ પર જાણે ઉત્તરાયણનો ઉન્માદ છવાઈ ગયો હોય તેવો માહોલ પ્રાંતઃકાળથી ચારે તરફ નજરે પડી રહ્યો છે. અગાસીઓ અને ધાબાઓ પર સવારથીજ લોકો ચઢી ગયા છે અને શહેરના આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગઈ છે. આમતો ઉત્તરાયણ ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે. લોકોએ છેલ્લા બે દિવસથી જે રીતે પતંગો અને દોરાની ખરીદી કરી છે તે જોતાં તેમ લાગે છે કે ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરવામાં કોઈ કચાશ રાખવા માંગતા ન હતા. ગુજરાતના પતંગબજારોમાં મધરાતના બે વાગ્યા સુધી ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે આજે શહેરોની અગાસીઓ પર ડી.જે.સિસ્ટમો ગોઠવાઈયેલ છે. ધૂમધડાકાભેર વાગતા ફિલ્મી ગીતોએ ઉત્તરાયણના માહોલની જ જમાવટ કરી દીધી છે. જાણૅ કે ગુજરાતના આકાશમાં જોરદાર પતંગ યુધ્ધ જામ્યુ છે. અગાસીઓ અને ધાબાઓ પર ટોપી અને ગોગલ્સ પહેરીને ઝૂમતાં યૌવનના કારણે ફેશન પરેડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અગાસીઓને લોકોએ ખાણીપીણીની મહેફિલો અને ઉંધિયા પાર્ટી ની મજા માણી રહ્યા છે. ક્યાંક અગાસીઓ પર ખાણી પીણીની મહેફિલો સાથે દારુની પણ ઠેર ઠેર મહેફિલો જામી છે. તો બીજી તરફ ઉત્તરાયણની ઉજવણીના માહોલના કારણે અન્ય તમામ વેપાર ધંધા લગભગ ઠપ્પ થઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર પણ પ્રમાણમાં ઓછી અવરજવર જોવા મળી છે. ટૂકમાં શહેરમાં ખરેખરો ઉત્તરાયણનો માહોલ જામ્યો.

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

આજે હિંદુ ધર્મનાં પ્રહરી એવા સ્વામી વિવેકાનંદનો ૧૫૦મૉ જન્મ દિવસ છે. સ્વામી વિવેકાનંદ ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના શિષ્ય હતાં વિવેકાનંદને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા. તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની, કર્મયોગી અને માનવપ્રેમી હતા. એમના હૃદયમાં દેશ માટે અને દુનિયાના બધા જ લોકો માટે પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદમાં એક મજબૂત પાસુ હતુ એમનુ આત્મબળ. જેની પાછળ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ અને તેમની પોતાની ઉડી સાધના હતી. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન 1893ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન 1897માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી.

સ્વામજી માનતા હતા કે નવુ ભારત ખેડૂતને રાહત, મજૂરોની ભટ્ટી, ઝૂંપડીઓ, જંગલો, ખેડૂતો અને મજૂરોંથી શરૂ થશે. ધર્મ અંગે તેમની માન્યતા પણ બીજાઓ કરતા ભિન્ન હતી. તેમનાં મતે ગરીબ અને દુ:ખી લોકોની સેવા કરવી એજ ભગવાનની સેવા છે. અને આનાથી જ મુક્તિ મળે છે ભૂખ્યા રહેવાથી ધર્મ સાથે મેળ નથી થતો. જે વિધવાના આંસુ ન લૂછી શકે, જે અનાથ બાળકના હાથમાં રોટલીનો કટકો ન મુકી શકે એવા ઈશ્વરના ધર્મને વિવેકાનંદ નહોતા માનતા. તેઁમણે મૂડી પ્રધાન મોટા મોટા ઉદ્યોગોને બદલે ખેતી પ્રધાન નાના ઉદ્યોગોને વધારવાની સલાહ આપી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણનજેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

Read Full Post »

– Mahesh Chaudhari, Patan

ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણનાં સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશનાં મુગટ સમુ દિપતુ ઉભુ છે. દેશમાં ભગવાન શિવજીનાં ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંનું પ્રથમ અને સૌથી મહ્ત્વ પુર્ણ જ્યુતિર્લિંગ અહીં આવેલ છે. સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો. અને સન ૧૦૨૬ સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન ૧૦૪૨ માં પુર્ણ થયુ. ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.

ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું. નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. 1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. 1951માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી 2000 વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે . નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

Read Full Post »

– મહેશ ચૌધરી, પાટણ

કાતિલ ઠંડી વચ્ચે અમદાવાદીઓએ વર્ષ ૨૦૧૧ને વિદાય આપીને મોજમસ્તીભર્યાં માહોલ સાથે નવા વર્ષના આગમનને ધમાકેદાર ઉજવણી સાથે વધાવી લીધું હતું. વર્ષની અંતિમ રાત્રીએ ૧૨ના ટકોરે નવા વર્ષનો પ્રારંભ થતાં જ શાનદાર આતશબાજી વચ્ચે ભારે ચિચિયારીઓ સાથે લોકોએ ન્યૂ યરની વધામણી કરી હતી. યુવાધને અન્ના હજારેની ભ્રષ્ટાચાર વિરોધી મુહિમ, મોંઘવારી, બેકારી, આર્થિક મંદીના માહોલને ભૂલીને ધૂમાકાભેર ૨૦૧૧ના અંતિમ દિવસની ઉજવણી કરી હતી. હોટલો, ક્લબોથી માંડીને ફાર્મ હાઉસોમાં પણ જશ્નનો માહોલ જામ્યો હતો. ન્યૂ યરની ઉજવણી કરવા સી.જી. રોડ, વસ્ત્રાપુર તળાવ અને કાંકરિયા લેક ફ્રેન્ટ સહિત એસ.જી. હાઇવે પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયાં હતાં.

ઢળતી સાંજથી નવા વર્ષની ઉજવણી માટે ખાસ કરીને યુવાઓમાં થનગનાટ અને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. મોટાભાગની પાર્ટીઓમાં રાતના ૮ વાગ્યાનો સમય હોવા છતાંયે રાતના ૧૦ બાદ જ પાર્ટીઓમાં રંગત જામી હતી. હોટલ- ક્લબોમાં આ વખતે રંગબેરંગી લાઇટો, ધમાકેદાર મ્યુઝિક, ડાન્સ વચ્ચે યુવાઓ થર્ટી ફર્સ્ટના આનંદમાં ડૂબી ગયાં હતાં. શહેરની સ્ટાર હોટેલ્સમાં ‘અરેબિયન નાઇટસ’ ‘અમદાવાદ બ્લુઝ’, ‘પિંક લાઇટ’, ‘અરેબિયન નાઇટ્સ’ રેટ્રો જેવી થીમ આધારિત પાર્ટી થીમ રખાતા હોટલોનાં બોલરૂમનો આખો લુક જ બદલાયેલો જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવા કપલોએ થીમ આધારિત પાર્ટીઓની પસંદગી કરીને વર્ષની અંતિમ રાત્રીની મજા માણી હતી. આ વર્ષે પ્રથમવાર દુબઇ, લંડન અને ગોવાથી ડીજેને બોલાવાયા હતા જેમણે ‘ઉલાલા..ઉલાલા’, ‘કોલાવરી ડી’ , ‘છમ્મક છલ્લો’, ‘ચીકની ચમેલી’, ‘તેનું મેં લવ કરતાં’ જેવા પોપ્યુલર ગીતોના ધમાકેદાર સંગીત પીરસી યુવાઓ ડાન્સ કરવા મજબૂર કરી મુક્યાં હતાં. યુવાઓએ જ નહીં પણ મોટી વયના લોકો પણ ઉજવણીમાંથી બાકાત રહી શક્યા ન હતાં તેમણે હોટલોમાં લાઇવ ગઝલ અને કલાસિકલ મ્યુઝિકનો આનંદ માણીને વર્ષની આખરી રાતનો આનંદ માણ્યો હતો. હોટેલો- ક્લબોમાં માત્ર ડાન્સ, મ્યુઝિક સાથે મોજ મસ્તી જ નહિ પણ ગાલા ડિનર પણ ગોઠવાયાં હતાં જેમાં લોકોએ ઇન્ટરનેશનલ ક્યુઝિન બુફે, વેજ, નોન વેજ સહિત કોન્ટીનેન્ટલ, નોર્થ- સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, ચાઇનીઝ ડિશોની અનેક વેરાઇટીઓનો સ્વાદ માણ્યો હતો. બાળકો માટે ગેમ્સ અને લકી ડ્રો ઉપરાંત યુવાઓ માટે બેસ્ટ ડાન્સિંગ, બેસ્ટ કપલ, બેસ્ટ ડ્રેસિંગ જેવી ઇનામી સ્પર્ધાઓ યોજાઇ હતી. જોકે, આ વખતે પોલીસની ફાર્મ હાઉસો પર બાજ નજર રહી તેમ છતાંયે યુવાઓએ ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીઓમાં જવાનું પસંદ કર્યું હતું જેના પગલે બોપલ, સાણંદ, ઓગણજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં ફાર્મ હાઉસોમાં મોડી રાત્રે ઝગમગાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર મોંઘી કારોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી ફાર્મ હાઉસોમાં રંગત જામી હતી.

સીજી રોડ તો સાંજના સાત વાગ્યા બાદ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરી દેવાયો હતો. ઠંડીને પગલે આઠ વાગ્યાથી લોકોની ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. પોલીસને સહકાર આપવા સીજી રોડ પરના શો રૂમ્સ બંધ કરી દેવાયાં હતાં. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે, થર્ટી ફર્સ્ટમાં ઠંડી વિલન બનશે પણ તે ધારણા ખોટી પડી હતી. ધીરે ધીરે માહોલ જામ્યો હતો અને ભીડ જામી હતી. માથે રંગીન ટોપીઓ અને હાથમાં પિપુડાં અને રંગબેરંગી ફુગ્ગાઓ સાથે લોકો ઉમટી પડયાં હતાં. રાત્રે નવ વાગ્યા બાદ સીજી રોડ,વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા અને આઇઆઇએમ રોડ પર મહેરામણ ઊમટયો હતો અને મેળા જેવો માહોલ હતો. આનંદ માણવા લોકો પરિવાર સાથે લટાર મારવા નીકળ્યાં હતાં. લોકોએ પોલીસને સાથ- સહકાર આપીને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. જોકે, પોલીસે કડકાઇ દાખવીને રાત્રે ૧૨ પછી લોકોને રવાના કરી દીધાં હતાં અને હોટલ, ક્લબોમાં પણ પાર્ટીઓને સમયસર બંધ કરી દેવા તાકીદ કરી હતી.

પોલીસે કડક બંદોબસ્ત જાળવી રાખી નશાખોર, છાકટા યુવાનો પર બાજ નજર રાખી હતી. બાઇકર્સ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. દારૂની મહેફિલો ન જામે તે માટે ફાર્મ હાઉસો પર પોલીસે બાતમીદારોની મદદ લીધી હતી પરિણામે ઘણાં યુવાઓએ ફાર્મ હાઉસમાં જવાનું ટાળ્યું હતું જયારે દારૂના શોખીનો તો બે દિવસ અગાઉ જ ગ્રૂપમાં દિવ,રાજસ્થાન અને ગોવા ઉપડી ગયાં હતાં. એક તરફ શહેરીજનો પાર્ટીઓમાં નવા વર્ષની ઉજવણીમાં મશગુલ હતાં ત્યારે બીજી તરફ ખ્રિસ્તીબંધુઓ ચર્ચમાં ભગવાન ઇશુને યાદ કરીને પ્રાર્થના કરી હતી. આમ નવા વર્ષના આગમનની શહેરમાં ધમાકેદાર ઉજવણી થઇ હતી.

Read Full Post »

%d bloggers like this: