– મહેશ ચૌધરી, પાટણ
કાતિલ ઠંડી વચ્ચે અમદાવાદીઓએ વર્ષ ૨૦૧૧ને વિદાય આપીને મોજમસ્તીભર્યાં માહોલ સાથે નવા વર્ષના આગમનને ધમાકેદાર ઉજવણી સાથે વધાવી લીધું હતું. વર્ષની અંતિમ રાત્રીએ ૧૨ના ટકોરે નવા વર્ષનો પ્રારંભ થતાં જ શાનદાર આતશબાજી વચ્ચે ભારે ચિચિયારીઓ સાથે લોકોએ ન્યૂ યરની વધામણી કરી હતી. યુવાધને અન્ના હજારેની ભ્રષ્ટાચાર વિરોધી મુહિમ, મોંઘવારી, બેકારી, આર્થિક મંદીના માહોલને ભૂલીને ધૂમાકાભેર ૨૦૧૧ના અંતિમ દિવસની ઉજવણી કરી હતી. હોટલો, ક્લબોથી માંડીને ફાર્મ હાઉસોમાં પણ જશ્નનો માહોલ જામ્યો હતો. ન્યૂ યરની ઉજવણી કરવા સી.જી. રોડ, વસ્ત્રાપુર તળાવ અને કાંકરિયા લેક ફ્રેન્ટ સહિત એસ.જી. હાઇવે પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયાં હતાં.
ઢળતી સાંજથી નવા વર્ષની ઉજવણી માટે ખાસ કરીને યુવાઓમાં થનગનાટ અને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. મોટાભાગની પાર્ટીઓમાં રાતના ૮ વાગ્યાનો સમય હોવા છતાંયે રાતના ૧૦ બાદ જ પાર્ટીઓમાં રંગત જામી હતી. હોટલ- ક્લબોમાં આ વખતે રંગબેરંગી લાઇટો, ધમાકેદાર મ્યુઝિક, ડાન્સ વચ્ચે યુવાઓ થર્ટી ફર્સ્ટના આનંદમાં ડૂબી ગયાં હતાં. શહેરની સ્ટાર હોટેલ્સમાં ‘અરેબિયન નાઇટસ’ ‘અમદાવાદ બ્લુઝ’, ‘પિંક લાઇટ’, ‘અરેબિયન નાઇટ્સ’ રેટ્રો જેવી થીમ આધારિત પાર્ટી થીમ રખાતા હોટલોનાં બોલરૂમનો આખો લુક જ બદલાયેલો જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવા કપલોએ થીમ આધારિત પાર્ટીઓની પસંદગી કરીને વર્ષની અંતિમ રાત્રીની મજા માણી હતી. આ વર્ષે પ્રથમવાર દુબઇ, લંડન અને ગોવાથી ડીજેને બોલાવાયા હતા જેમણે ‘ઉલાલા..ઉલાલા’, ‘કોલાવરી ડી’ , ‘છમ્મક છલ્લો’, ‘ચીકની ચમેલી’, ‘તેનું મેં લવ કરતાં’ જેવા પોપ્યુલર ગીતોના ધમાકેદાર સંગીત પીરસી યુવાઓ ડાન્સ કરવા મજબૂર કરી મુક્યાં હતાં. યુવાઓએ જ નહીં પણ મોટી વયના લોકો પણ ઉજવણીમાંથી બાકાત રહી શક્યા ન હતાં તેમણે હોટલોમાં લાઇવ ગઝલ અને કલાસિકલ મ્યુઝિકનો આનંદ માણીને વર્ષની આખરી રાતનો આનંદ માણ્યો હતો. હોટેલો- ક્લબોમાં માત્ર ડાન્સ, મ્યુઝિક સાથે મોજ મસ્તી જ નહિ પણ ગાલા ડિનર પણ ગોઠવાયાં હતાં જેમાં લોકોએ ઇન્ટરનેશનલ ક્યુઝિન બુફે, વેજ, નોન વેજ સહિત કોન્ટીનેન્ટલ, નોર્થ- સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, ચાઇનીઝ ડિશોની અનેક વેરાઇટીઓનો સ્વાદ માણ્યો હતો. બાળકો માટે ગેમ્સ અને લકી ડ્રો ઉપરાંત યુવાઓ માટે બેસ્ટ ડાન્સિંગ, બેસ્ટ કપલ, બેસ્ટ ડ્રેસિંગ જેવી ઇનામી સ્પર્ધાઓ યોજાઇ હતી. જોકે, આ વખતે પોલીસની ફાર્મ હાઉસો પર બાજ નજર રહી તેમ છતાંયે યુવાઓએ ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીઓમાં જવાનું પસંદ કર્યું હતું જેના પગલે બોપલ, સાણંદ, ઓગણજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં ફાર્મ હાઉસોમાં મોડી રાત્રે ઝગમગાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર મોંઘી કારોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી ફાર્મ હાઉસોમાં રંગત જામી હતી.
સીજી રોડ તો સાંજના સાત વાગ્યા બાદ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરી દેવાયો હતો. ઠંડીને પગલે આઠ વાગ્યાથી લોકોની ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. પોલીસને સહકાર આપવા સીજી રોડ પરના શો રૂમ્સ બંધ કરી દેવાયાં હતાં. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે, થર્ટી ફર્સ્ટમાં ઠંડી વિલન બનશે પણ તે ધારણા ખોટી પડી હતી. ધીરે ધીરે માહોલ જામ્યો હતો અને ભીડ જામી હતી. માથે રંગીન ટોપીઓ અને હાથમાં પિપુડાં અને રંગબેરંગી ફુગ્ગાઓ સાથે લોકો ઉમટી પડયાં હતાં. રાત્રે નવ વાગ્યા બાદ સીજી રોડ,વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા અને આઇઆઇએમ રોડ પર મહેરામણ ઊમટયો હતો અને મેળા જેવો માહોલ હતો. આનંદ માણવા લોકો પરિવાર સાથે લટાર મારવા નીકળ્યાં હતાં. લોકોએ પોલીસને સાથ- સહકાર આપીને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. જોકે, પોલીસે કડકાઇ દાખવીને રાત્રે ૧૨ પછી લોકોને રવાના કરી દીધાં હતાં અને હોટલ, ક્લબોમાં પણ પાર્ટીઓને સમયસર બંધ કરી દેવા તાકીદ કરી હતી.
પોલીસે કડક બંદોબસ્ત જાળવી રાખી નશાખોર, છાકટા યુવાનો પર બાજ નજર રાખી હતી. બાઇકર્સ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. દારૂની મહેફિલો ન જામે તે માટે ફાર્મ હાઉસો પર પોલીસે બાતમીદારોની મદદ લીધી હતી પરિણામે ઘણાં યુવાઓએ ફાર્મ હાઉસમાં જવાનું ટાળ્યું હતું જયારે દારૂના શોખીનો તો બે દિવસ અગાઉ જ ગ્રૂપમાં દિવ,રાજસ્થાન અને ગોવા ઉપડી ગયાં હતાં. એક તરફ શહેરીજનો પાર્ટીઓમાં નવા વર્ષની ઉજવણીમાં મશગુલ હતાં ત્યારે બીજી તરફ ખ્રિસ્તીબંધુઓ ચર્ચમાં ભગવાન ઇશુને યાદ કરીને પ્રાર્થના કરી હતી. આમ નવા વર્ષના આગમનની શહેરમાં ધમાકેદાર ઉજવણી થઇ હતી.
Leave a Reply