Feeds:
Posts
Comments

muslim-women-istock_650x400_51473067148

– મહેશ ચૌધરી, અણહીલપુર

ભારતીય સમુદાય વર્ષોથી કુરીવાજોની જંજીરોમાં જકડાયેલો રહ્યો છે. રીવાજ શબ્દ જ જાણે કે એક બંધનનો અનુભવ કરાવતો હોય તેવો લાગે છે. તેમાંય કેટલાક સમાજોના રીવાજો તો એટલા જડ છે કે તે ભારતીય બંધારણે આપેલ અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરે છે.

ભારતને આઝાદી મળ્યે ૬૯ વર્ષથી વધુ સમય થઈ ચુક્યો છે. પણ સામાજિક રીવાજોમાં સુધારાના નામે કેટલાક સમાજો આજે પણ શુન્ય કહી શકાય તેવી જ સ્થિતીમાં છે. પરિણામ એ આવ્યુ છે કે આવા સમાજોના લોકો અને ખાસ કરીને મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે પગભર બની શક્યા નથી. ભારતની આર્થિક પ્રગતિના અવરોધક પરીબળોમાં ક્યાંક આ પણ એક મોટુ પરીબળ હોઈ શકે છે. વાસ્તવમાં આવા કુરીવાજો કોઈપણ સમાજ માટે ઈચ્છનીય ગણી શકાય નહી. કેટલાક સમાજોએ આવા રીવાજોને વર્ષો પહેલા ફગાવી દીધા હતા. જોકે બદ્દનસીબ ગણો કે સમાજની જડતા કેટલાક સમાજો આજે પણ આ દુષણોથી પીડાઈ રહ્યા છે.

મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો વર્ષોથી ત્રિપલ તલાકની પ્રથા અસ્તિત્વમાં છે. સાથે જ બહુવિવાહ જેવા દુષણો પણ લોકોના પગની બેડીઓ બનેલા છે. આજથી ૩૨ વર્ષ પહેલા વર્ષ ૧૯૮૫માં શાહ બાનો નામની એક મહિલાના કેસમાં સુપ્રિમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ સમયે સમયે મુસ્લિમ સમુદાયનો પણ એક મોટા વર્ગે પણ કોર્ટના ચુકાદાનુ સમર્થન કર્યુ હતુ. તેમ છતાં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે કટ્ટરવાદી તત્વો સામે ઝુકીને સંસદમાં બહુમતીના જોરે આ ચુકાદાને રદ્દ કરી દીધો હતો. સમાજની પ્રગતિને માત્ર ધાર્મિક કટ્ટરતા જ નહી પણ સરકારની મતમેળવવાની ઘેલસા કઈ રીતે નુકશાન પહોંચાડી શકે તે બાબતનુ આ સૌથી મોટુ ઉદાહરણ હતુ. વર્તમાન સરકારનુ સોગદનામુ આ સંદર્ભે થોડુ અલગ લાગે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય પણ ક્યાંક આજ રહેલો છે. એટલે કે આ સોગદનામુ પણ અંતે તો મુસ્લિમ કટ્ટરવાદીઓને મનમાની કરવાની મંજુરી જ આપે છે.

તમામ વચ્ચે મુળ સમસ્યા સામે આંખ મીચોમણી કરવામાં આવી રહી છે. કુરાનમાં પણ ત્રિપલ તલાકમાં ૯૦ દિવસની મુદ્દત આપવાનો ઉલ્લેખ છે. પતિ ઇચ્છે ત્યારે ત્રણ વખત તલાક બોલીને સબંધ તોડી શકે તેવો તો કોઈ ઉલ્લેખ ક્યાંય નથી. પણ સરકાર પોતાના સોગદનામાં આ બાબત અંગે કોઈ ફર્ક પાડ્યા વગર ત્રિપલ તલાકની પ્રથા રદ્દ કરવાની સલાહ આપી રહી છે. વાસ્તવમાં મહિલાઓ માટે ખતરો ત્રિપલ તલાક નથી, પણ ઝડપથી આપવામાં આવતા તલાક છે. તેમજ આ બાબત માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહી અન્ય સમાજો માટે પણ એટલી જ ખતરનાક છે. પ્રાચીન સમયમાં લગ્નએ પવિત્ર સબંધ મનાતો હતો, સાત ભવનુ બંધન મનાતુ. પણ આજે સાત વર્ષ, સાત મહિના, સાત દિવસ કે પછી સાત કલાકમાં પણ લગ્ન તુટ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. સમાજ આધુનિક બનતા આજે મોટાભાગના સમાજોમાં સમુલગ્નની પ્રથાઓ અસ્તિત્વમાં આવી છે. આ સમુલગ્નોમાં થતા લગ્નો પૈકી ૨૦ ટકા લગ્નો એક વર્ષથી વધુ ટકતા નથી.

કેટલાક લોકો આ માટે આધુનિક્તાને જવાબદાર ગણાવે છે. પરંતુ વાસ્તવમાં આવી ઘટનાઓનુ મુળ પણ આપણા સમાજમાં વર્ષોથી અસ્તિત્વમાં રહેલ કુરીવાજોમાં રહેલા છે. સમયની સાથે આ કુરીવાજો દુર થવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યા છે અને સૌથી મોટી બદકિસ્મત એ છે કે આ કુરીવાજોના પાલનને લોકો સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી રહ્યા છે.

school

– મહેશ ચૌધરી, અણહીલપુર

ભારતીય સમાજમાં મહિલાઓની છેડતી સાવ સામાન્ય વાત થઈ ચુકી છે. આવી કોઈ વાત આપણા અંતરઆત્માને જગાડવામાં નિષ્ફળ સાબિત થાય છે. યૌન ઉત્પીડન સાથે જોડાયેલ સમાચાર રોજે રોજ વાંચીને લોકો એટલા નિર્જીવ થઈ ચુક્યા છે કે આ વિષય અંગે ખુલીને વાત કરવી પણ હવે જરૂરી નથી લાગતી.

એક તરફ ભારત વિશ્વમાં મહાશક્તિ બનવાના સ્વપ્ન જોઈ રહ્યુ છે. ત્યારે બીજી તરફ દેશની અડધાથી વધારે વસ્તીને મુળભુત સુવિધાઓ અને સુરક્ષા આપવામાં નિષ્ફળતા મળી છે. સમાજ આજે પણ એજ પુરુષવાદી દંભમાં જીવી રહ્યો છે જ્યાં મહિલાઓ યૌન જરૂરીયાતો સંતોષવાના રમકડાથી વધારે કંઈ નથી. સરકાર નારાઓ આપે છે કે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પણ આ બેટીઓને બચાવવા કે ભણાવવા માટેના પર્યાપ્ત પ્રયત્નો અથવા એમ કહો કે નિયતનો અભાવ જોવા મળી રહ્યો છે. એવી એક પણ યોજના નથી જે દેશની દિકરીઓની સુરક્ષાની ગેરંટી આપે. દેશની પુત્રીઓને કહી શકે કે તમે આ દેશમાં ગમે ત્યારે, ગમે ત્યાં ફરવા માટે સ્વતંત્ર છો. આવા સામાજિક વાતાવરણમાં એક જ ઉપાય બચે છે. જેમાં મહિલાઓ પોતાની સુરક્ષા માટે સ્વયં સજ્જ બને. જેની પહેલ પણ થઈ ચુકી છે.

કર્નાટકના બેલગામ શહેરથી માત્ર ૧૨ કિલોમીટર દુર એક ગામ આવેલ છે. ગામનુ નામ વાધવાડે છે. જેની બાળકીઓ શાળાએ જતા સમયે પોતાની સાથે એક દંડો રાખે છે. જેથી કોઈ રોમીયો તેમની છેડતી કરવાનો પ્રયત્ન કરે તો તેને યોગ્ય સબક શિખવાડી શકાય. આ ગામમાં દર અઢવાડીયે લગભગ અડધા ડઝન જેટલા યૌનશોષણના કેસ સામે આવે છે. શાળાએ જતી નાની નાની બાળકીઓથી લઈને પ્રૌઢ મહીલાઓ સુધી આ ગામમાં કોઈ મહિલા સલામત નથી. ગામ લોકોનુ કહેવુ છે કે આ રોમીયોગીરી કરનાર યુવકો પડોશી ગામ માર્કંડેયમાંથી આવે છે. આ મામલે બંન્ને ગામો વચ્ચે લાંબા સમયથી ઝઘડો પણ ચાલ રહ્યો છે. સ્થિતી એટલી હદે કથળી ચુકી છે કે જ્યારે કોઈ મહિલા આ ઘટનાની માહીતી પોતાના ધરના લોકોને કહે તો ઉલ્ટાનુ તેમના પર જ પાબંદીઓ લાદી દેવામાં આવે છે. તેમનુ ઘરમાંથી નિકળવુ બંધ થઈ જાય છે. જેના કારણે મોટાભાગના કેસમાં મહિલાઓ મૌન જ રહેવાનુ પસંદ કરે છે. પણ મહિલાઓનુ આ મૌન લુખ્ખા તત્વોની હિંમત વધારનાર તત્વ બની રહ્યુ છે.

આવી સ્થિતીમાં એક એનજીઓએ આ ગામની મહિલાઓને પોતાની સાથે એક દંડો રાખવાની સલાહ આપી. સાથે જ પોલીસ અને એનજીઓનો નંબર પણ આપ્યો જેના પર ફોન કરીને આવી ઘટનાઓથી બચી શકાય. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે એનજીઓમાં કામ કરતા એક કર્મચારીની પત્ની સાથે પન છેડતીની ઘટના બની. એનજીઓએ આ અંગે પોલિસને સુચના આપી તો પોલીસ તરફથી પણ હજી કોઈ પગલુ ઉઠાવવામાં આવ્યુ નથી. પરિણામ એ છે કે આ ગામમાં મહિલાઓ આજે પણ અસલામત છે. જો આવી જ સ્થિતી રહેશે તો હવે એ દિવસ દુર નથી જ્યારે દેશના દરેક ખુણે મહિલાઓએ આત્મરક્ષા માટે સ્વયં દંડો ઉઠાવવો પડશે.

– મહેશ ચૌધરી, પાટણ

Image

આમ આદમી પાર્ટી.. છેલ્લા સમયમાં સૌથી વધારે ચર્ચાયેલ શબ્દ.. પરંતુ આ સફર હવે જુની થઈ ચુકી છે.. પાર્ટીની સભ્ય સંખ્યા એક કરોડને પાર કરી ચુકી છે.. રશીયાની કમ્યુનિસ્ટ પાર્ટીને છોડી દઈએ તો ઈતિહાસમાં આટલી ઝડપી સભ્ય સંખ્યા કોઈની નથી વધી.. પરંતુ આટલી ઝડપથી વધતી સભ્ય સંખ્યા હવે પાર્ટી માટે જ સમસ્યા બની ચુકી છે.. બિલાડાનાં ટોપની જેમ ફુટી નિકળેલા ‘આપ’નાં સભ્યોને લઈને લોકોનાં મનમાં સવાલો થવા લાગ્યા છે. સરવાળે સ્થિતી એવી પેદા થઈ છે કે આ પાર્ટીતો નવી છે.. પરંતુ તેમાં ચહેરાઓ એજ કટાયેલા કાટલા જેવા છે..

માન્યુ કે આ પાર્ટીમાં મોટા ભાગનાં સભ્યો એવા છે કે જે કોઈ રાજકિય પાચ્યાત ભુમિકા ધરાવતા નથી.. સરકારી અધીકારીઓ.. ડોકટર.. એન્જિન્યર.. પ્રોફેસર.. બિજનેશ મેનેજર.. પત્રકારો.. જે પહેલી વાર રાજકીય રીતે સક્રિય થયા છે.. સાચી રીતે જોવા જઈએ તો આજ પાર્ટીની તાકાત છે.. આ લોકો પ્રોફેશ્નલ રાજકારણીઓને પકડાર ફેકી રહ્યા છે. લોકોનો વિશ્વાસ પણ પ્રોફેશ્નલ રાજકીય નેતાઓ ઉપરથી ઉઠી ગયો છે.. સામાન્ય લોકો પણ ઈચ્છી રહ્યા છે કે તેઓ નવા પ્રકારનાં રાજકારમાં સક્રિય થાય.. જેથી આ દેશ ”પૈસા ફેકો સત્તા મેળવો’ એવા રાજકારણમાંથી મુક્ત્ત થઈ શકે.. પરંતુ પ્રશ્ન એ છે કે.. જાહેર સભ્યપદ માટે ઓફર કરતી આ પાર્ટી પ્રોફેશ્નલ રાજકારણીઓને પોતાનાથી અલગ રાખી શકશે.. ગુજરાત પુરતીતો આ ઉમ્મીદ ઠગારીજ નિવડી છે..

આનાં બે કારણો છે.. એક તો ‘આપ’ કેડર આધારીત નહી, પરંતુ માસ પાર્ટી બનવા માગે છે.. જે મુજબ કોઈપણને પાર્ટીનાં સભ્ય બનતા અટકાવવા લોકશાહીનાં સિધ્ધાંત વિરુધ્ધ છે.. બીજુ કારણ છે કે પાર્ટીએ દિલ્હીમાં સફળતા મેળવી છે.. દિલ્હીમાંથી નિકળી પાર્ટી અન્ય શહેરો અને ગામો તરફ નજર કરી રહી છે.. આ સફર માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની જરૂર પડશે. ત્યારે સ્વાભિવક છે કે એવા કાર્યકર્તાઓ પણ જોડાશે જે પહેલા કોઈ અન્ય પક્ષમાં સક્રિય રહી ચુક્યા છે.. આમાંથી મોટા ભાગનાં એવા લોકો છે જેમને અન્ય પક્ષોમાં નિષ્ફળતા મળી હતી.. તેઓ નિરાશ થઈને બેઠા હતા.. એવામાં નવી પાર્ટી આવી.. આ લોકોને લાગ્યુ કે જો આ પાર્ટીની ટીકીટ મળી જાય.. તો જનપ્રવાહનો લાભ લઈને સંસદ કે ધારસભ્ય બની જવાય.. આવા કાર્યકર્તાઓ પાસે પોતાનુ ખાનગી સંગઠન પણ હોય છે.. એટલે જ તો આવા લોકો ઝડપથી પોતાની પકડ બનાવી લે છે.. શક્ય છે કે આમાનાં મોટા ભાગનાં ટિકટ ન મળતા પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી લે.. આજ લોકો કાલે પાર્ટીને ગાળો ભાંડતા પણ જુવા મળી શકે છે..

સૌથી મોટી સમસ્યા તો ત્યારે સર્જાય છે, જયારે આ લોકો પાર્ટીમાં રહી જાય.. કારણ કે આ લોકો પોતાની સાથે જુની રાજકીય વિચારધારા લઈને આવ્યા છે.. આજ તો પાર્ટી માટે સૌથી મોટી સમસ્યા છે.. જો આ લોકો અહીં પણ પોતાનાં જુનાં સિધ્ધાંતોનો પ્રયોગ કરવા લાગ્યા તો પાર્ટીનાં માર્ગ પણ ફંટાઈ જશે..

– મહેશ ચૌધરી, પાટણ

hope

ન આવનાર પળની ખબર છે. ન નશીબમાં વિશ્વાસ છે. છતાં એક વાત સ્પષ્ટ છે. દરેક વ્યક્તિને ભુતકાળનું આકર્ષણ છે. વર્તમાનથી અસંતોષ અને ભવિષ્યની ઉત્સુક્તા. આ વાતમાં જ જીવનનો સાર છે. શિયાળાની હાડ થીજવી નાખતી ઠંડી છે. બહાર નિકળવાની હિંમ્મત નથી થતી. હાથ પગ ધ્રુજવા લાગે છે. છતાં દરેકને ઉજ્વળ ભવિષ્ય જોવે છે. નવ નિર્માણનાં સ્વપ્ના ખુલ્લી આંખે દેખાય છે. સ્વપ્નો તો ફુટપાથ પર ઉંઘનાર પણ જુવે છે. આશા બધે જીવે છે. ખબર નહી કે સુર્યનું કયુ કિરણ નવુ પ્રભાત લઈને આવશે. ઉમ્મીદ ચકલીને કિલકીલાટ કરવા પ્રેરે છે. તેની પાસે ના  કોઈ સગવડ છે, ના કોઈ સુવિધા. છતાં તે જીવે છે. પ્રકૂતી સાથે લડે છે. સુર્ય સામે હામ ભરે છે. બદલાતી મોસમનો માર ઝેલે છે. તો આપણે તો માણસ છીએ. પરમાત્માની સર્વશ્રેષ્ઠ કૂતી. તો એક ઉત્તમ ભવિષ્યની આશા કેમ ના હોય?

એમાંય, અચાનક આવ્યુ નવુ વર્ષ. સાથે નવા વિચારો. નવુ વર્ષ શું લઈને આવશે? શું ફરી ઉમ્મીદોની કોથળી ફાટેલી નિકળશે? નિર્થક વચનો, ખોટા ઈરાદા અને લુખ્ખા ભાષણોની વણજાર થશે? શિક્ષિતોને રોજગારીનું આશ્વાસન, ગરીબોને સસ્તા અનાજનું વચન, વિધાર્થીઓને મફત લેપટોપનું લોલીપોપ, ફરીથી મળશે?  રસ્તાઓ પર ઠંડીનુ સામ્રાજય, બારીમાંથી આવતો પવનો સુસવાટો, નેતાઓની ઠોકમ ઠોક. લાગે છે કે ચૂંટણી આસપાસ છે. તેનો પગરવ સંભળાય છે. પક્ષોમાં હોડ જામી છે. આમ આદમીને મનાવવાની. અત્યાર સુધી આમ આદમીનું અસ્તિત્વ કયાં હતું? તેને તો દબાવી દેવામાં આવ્યો હતો, રોજગારી ઝુંટવી લેવામાં આવી હતી, મોઘવારીનો કોળીયો તેનાં મોઢામાં નાખી દેવાયો હતો.  હવે ચૂંટણી આવી છે. એટલે ચૂંટણીનો સામાન યાદ આવ્યો. કારણ કે સ્પષ્ટ છે. આમ આદમી માત્રા મોટી છે. એમનાં વોટ વગર સત્તા શકય નથી. તેને તો મનાવવો પડે. આ માટે નવો નાયક જોઈએ. નવા વચનો જોઈએ. ચિંતા ના કરો, નવા નાયકો અનેક છે. નવા વચનો પણ તૈયાર છે. કારણ કે આશા અમર છે.   

– મહેશ ચૌધરી, પાટણ

Image

વિસ્થાપીત.. શબ્દ જેટલો નાનો છે સમસ્યા એટલીજ વિકટ છે. રોજગારીની તલાસમાં સ્થળાંતર.. તૂટતા ગામડાઓ કે શહેરીકરણનો વધતો વ્યાપ.. કારણે ગમે તે હોય.. પરંતુ વિસ્થાપીતોની સમસ્યા વિકટ બની છે.. માન્યુ કે વિકાસ અનિવાર્ય છે.. પરંતુ વિસ્થાપીત પણ આજ વિકાસની પેદાસ છે. દેશની કુલ વસ્તીનાં ૩૧.૬ ટકા લોકો શહેરોમાં વસવાટ કરે છે. તેમાંથી મોટા ભાગનાં ઝુંપડપટ્ટીમાં જીવન ગુજારે છે. જે ઝુંપડપટ્ટીને શહેરની સુંદરતા ઉપર દાગનાં રૂપમાં જોવામાં આવે છે…

 આ વિસ્થાપીત અનેક રીતે ઉત્પન્ન થાય છે.. દેશમાં અંદાજે ૩૬૦૦ ડેમ આવેલ છે.. તેમાંથી ૩૩૦૦ ડેમ આઝાદી બાદ બંધાણા છે.. આ દરેક ડેમ પાછળ અંદાજે ૨૦ હજાર લોકો વિસ્થાપીત થયા છે.. તેમણે પોતાન ઘર, ગામ, રોજગાર છોડવા પડ્યા.. અંદાજે સાડા સાત કરોડ લોકો તો નહેર બાંધવાના કારણે વિસ્થાપીત થયા.. મોટા ભાગનાં ડેમ યોજનાઓ આદિવાસી વિસ્તારોમાં આકાર પામી.. પરીણામે વિસ્થાપીતોમાં ૪૦ ટ્કા લોકો આદિવાસી છે.. આ વિસ્થાપીતો પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે. તમામ આંકડાઓને જોડીઓતો ચોકાવાનર તારણ સામે આવે છે.. કારણ કે આઝાદી મળ્યે ૬૦ વર્ષો તો થયા છે.. પરંતુ આ ૬૦ વર્ષમાં ૩૫ ટકા દેશવાસીઓ વિસ્થાપીત થયા.. દરેકની પાછળ કારણ જુદા જુદા હતા.. પરંતુ વિસ્થાપીતોની સમસ્યા કોમન છે..   

તા ઃ ૧૪/૧૧/૨૦૧૩
મહેશ ચૌધરી, પાટણ

ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે. નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં ૧૪ નવેમ્બર ૧૮૮૯નાં રોજ થયો હતો. તેમણે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુનાં જન્મ દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

જવાહરલાલ નેહરુ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, સ્વતંત્ર ભારતનાં વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી. કૉંગ્રેસ પક્ષે ભારતની સ્વતંત્રતા ચળવળમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ 1952માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિત આપાવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. નોન-અલાઈન્ડ ચળવળના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો. કયારેક તેમને “આધુનિક ભારતના શિલ્પી” તરીકે પણ સંબોધવામાં આવે છે

આજે પારસીઓનો પવિત્ર દિવસ પતેતી.. 

પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.

જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ. આજે તેમનું 1383મુ વર્ષ ચાલે છે અને પારસીઓને ભારતમાં વસવાટ કરે 1356 સાલ થયાં. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા. અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

%d bloggers like this: